Posts

સુગરી

ના મારે આંબવા આકાશ ના મારે બનવું રે બાજ હું તો સુગરી ભલી! ઝીણું ઝીણું કાંતવું ને ઘર રે મારે બાંધવું આખી દુનિયા મારી આ ઝાડ હું તો સુગરી ભલી! ના તાળીઓનો ગડગડાટ ના સાહ્યબીનો ઝળહળાટ મારા માળામાં મારાનો સાથ હું તો સુગરી ભલી! ના ભજવું ના બનવું મારે ના જાણવું કે પામવું મારે મારું હોવું, બસ હોવાને કાજ હું તો સુગરી ભલી!

શોધું છું

  અતીતના અંધકારમાં ઉજાળું શોધું છું કંટકશૈયામાં હું કંઈક સુંવાળું શોધું છું વડવાનળ સળગે છે સદા મુજ હૈયામા ખુદમાં જ કોઈ બિંદુ હુંફાળું શોધું છું આંખ , મન , વિચારો આદી થઇ ગયા છે શ્વેત અંતઃપટ પર કંઈ કાળું શોધું છું ઈશના નામે તરી જતા હોય છે પથ્થર એજ આશાએ ભાવી અજવાળું શોધું છું  

કહેવું પડશે

  કડવું સત્ય કઠણ થઈને કહેવું પડશે છલકતાં દિલની વ્યથાને વહેવું પડશે ચુપ હતાં , નાસમજ સંકોચથી કે બીકથી સમજયા પછી ક્યાં સુધી વંઢેરવું પડશે   આજ યા કાલ , અહી નહિ તો ઉપર ક્યાંક ભાગે પડતું ભારણ સૌએ વહેંચવું પડશે સતપથ પર ચાલ્યો હું એકલો અલગ કોઈએ તો આ કર્મકફન પહેરવું પડશે

જીંદગી હવે બદલાવ માંગે છે

  પ્રવાસમાં કોઈ વળાંક માંગે છે જીંદગી હવે બદલાવ માંગે છે     ભાગતા રહ્યા , ઉધારી સમજથી અંતરનો સાદ ઠહેરાવ માંગે છે     કારણો , લક્ષ્યો , ને યોગદાનથી પર હોય તેવા પહેરાવ માંગે છે અસહ્ય થયું , આ મહોરાળા હોવું નિજનું દર્શન સરેઆમ માંગે છે   વાત ક્ષમતાઓની ક્યાં કરે છે એ તો આંતરિક ઘેરાવ માંગે છે ભરાતું નથી પીલ , સ્કુલર , ઓશોથી ' અજબ ' મન તો ગઝ્લાવ માંગે છે  

ડર

હારવાનો ડર   નિષ્ફળતાનો ડર અને   એટલે જ   કઈક નવું કરવાનો ડર   જિંદગીની રફતાર.. એમાં આવી ગયેલી સુરક્ષાની ભાવના અને ઠહેરાવને છંછેડવાનો ડર   જવાબો દેવાનો ડર સાચા જવાબો દઈને સંબંધોને ખોવાનો ડર   અજાણી આવતીકાલને આજ કરતાં સારી બનાવવામાં આજ-જેવી સહજતા ખોવાનો ડર     અજાણ્યાનો ડર અજાણ્યા લોકો , અજાણી જગ્યા   અજાણી પરિસ્થિતિને અનુભવવાનો ડર   જાણીતા અને કૈક અજાણ્યા ડર   અને એની વચ્ચે   કજિયા કરતુ   મનોબળ!!!