પાત્ર
ચાલ, સંબંધોથી પર જઈએ, અને
અનુભવીએ એકબીજાની એકસરખી લાગણીઓને.
શાની છે આ અસમંજસ? અસહાયતા? નિરાશા?
શું ઘવાઈ છે આપણી અગત્યની લાગણીઓ?
ચાલ, સમજીએ શા કારણે થાય છે આવું, કે
થાય ઘમાસાણ લડાઈ, 'એમની' અને ખુદની વચ્ચે.
ચાલ, યાદ કરીએ શું માંગ્યું'તું ઈશ્વર પાસે છેલ્લે.
હા, 'આ' તો ન'તું જ માંગ્યું, પણ કદાચ
આ અસમંજસ, આ પરેશાનીઓ, આ નિસહાયતા,
આ બધું ભાગ હોય શૃંખલાનો કે જેનો અંત
આપણે જે માંગ્યું હોય તે હોય !
કારણ કે ઈશ્વર પાસે શ્રદ્ધાથી જે માંગો તે મળે જ.
'પણ, ક્યારે?'
'શું 'ક્યારે' - એ આપણે ઈશ્વરને કહ્યું'તું??!!'
મને લાગે છે કે,
કુંભારના ચાક પર સતત ઘુમરાતી માટી જેવું
અનુભવીએ છીએ આપણે...કદાચ,
કોઈ આકાર પામી રહ્યા છીએ.
માટી છીએ ને, આપણને નહિ ખબર પડે!
પણ, 'એ' કુંભારને તો ખબર જ છે કે કેવો આકાર આપે છે.
ચાલ, ફક્ત માટી બનીને રહી જઈએ,
યોગ્ય સમયે પાત્ર બની જ જઈશું ને !!!
Comments
Post a Comment