વલોપાતીયા મનમાં બીક
કોઈ પૂછે તો કહીએ, આમ તો છે બધું ઠીક
વલોપાતીયા મનમાં ઊંડે લાગે છે હવે બીક
ઉકાળા, ઓસડીયા પીને ઘરમાં રહીએ તોય
શેડા-ઉધરસ શંકા આપે, ડરામણી લાગે છીક
વલોપાતીયા મનમાં ઊંડે લાગે છે હવે બીક
મોજથી હાથ મિલાવીને, ગળે મળતા’તા સૌ
ને, ફિક્કું સ્મિત માસ્કમાંથી ઝળકે હવે જરીક
વલોપાતીયા મનમાં ઊંડે લાગે છે હવે બીક
સર્વસ્વના મદમાં માનવ રાચતો’તો ને ત્યાં જ
વાઈરસ રૂપી અવતારે એને કેવી મારી ઢીંક!
વલોપાતીયા મનમાં ઊંડે લાગે છે હવે બીક
આજે શું ખાશું હવે? ગરીબોને રોજીરોટી ચિંતા
અમીરોને બસ કચરાપોતા ઠામની માથાઝીંક
વલોપાતીયા મનમાં ઊંડે લાગે છે હવે બીક
આવા વખતે પ્રજાએ શું કરવું ન કરવું કો’છો
હાથ ઝાલીને ખુદ રાજધરમ નિભાવો કદીક
વલોપાતીયા મનમાં ઊંડે લાગે છે હવે બીક
કોઈ પૂછે તો કહીએ, આમ તો છે બધું ઠીક
વલોપાતીયા મનમાં ઊંડે લાગે છે હવે બીક
Comments
Post a Comment