વાર્તા રે વાર્તા
વાર્તા રે વાર્તા
હજી એક વાર્તા
સમજ હોવાની'ય સમજ નો'તી
ત્યારે સાંભળેલી એ પહેલી વાર્તા
ને ત્યારથી જ
આ વાર્તાઓ ગમવા લાગે
સૌ પહેલા તો
કહેનાર કોઈ પણ હોય
કહેવાનું કઈ પણ હોય, બસ
વાર્તા સાંભળવી ગમવા લાગે
મોટા થતાં થતાં
કિરદાર કોઈ પણ હોય
સંવાદ કઈ પણ હોય, પણ
વાર્તામાં આવવું ગમવા લાગે
વાર્તાના ભાગ બનવું ગમવા લાગે
અને મોટા થયા પછી
અનેરા ખંત થકી
આરંભથી અંત સુધી, ખુદ
વાર્તા બનાવવી ગમવા લાગે
ક્યારેક પછી
સંદર્ભ ગમે તે હોય
નિષ્કર્ષ ગમે તે હોય, પણ
વાર્તા જીવવી ગમવા લાગે
અને પછી તો
સાવ મોટા થઇ ગયાં...
સંવેદનાઓ કેટલીય હોય
વિચારો કેટલાય હોય, પણ
વાર્તા મમળાવવી ગમવા લાગે ને
વાર્તા જીરવવી ગમવા લાગે
જીવન ક્યાં રોકાય છે?
સફરના કોઈ મુકામે
હારી થાકી ડહાપણથી
કાચી પાકી સમજણ થી, બસ
વાર્તા કરવાની ગમવા લાગે
આખરે, છેલ્લે છેલ્લે
એકલા પડ્યાની ગરજે
અને, વડીલ થયાની સમજે
પેલા બ્રહ્મસત્યના ભ્રમ વાળી
વાર્તા સંભળાવવી ગમવા લાગે
વાર્તા !
બનવાની ને બનાવવાની વાર્તા
સાંભળવાની ને સંભળાવવાની વાર્તા
જીવવાની ને જીરવવાની વાર્તા
વાર્તા રે વાર્તા
હજી એક વાર્તા
Comments
Post a Comment