ભ્રમ
સમજનો ભ્રમ
અણસમજુ હોવાનો ભ્રમ
ને પછી સમજતા શીખવાનો ભ્રમ
શીખ્યા પછીની સમજણનો ભ્રમ
અને, પછી ઉભરતી રહેતી સમજણની જરૂરિયાતનો ભ્રમ
પોતાના સમજુ થયાનો ભ્રમ
અને, બીજાના અણસમજુ હોવાનો ભ્રમ
ભક્તિનો ભ્રમ
કોઈને આસ્તિક હોવાનો અને કોઈને નાસ્તિક હોવાનો ભ્રમ
રહસ્યોના હોવાની સમજણનો ભ્રમ
રહસ્યોના ભેદને સમજ્યા હોવાનો ભ્રમ
ભગવાનની કૃપા પામ્યાનો ભ્રમ,
કોઈને ભગવાનને પામ્યાનો ભ્રમ,
અને, કોઈને ભગવાનની બીન-ઉપયોગીતાનો ભ્રમ
બૌધીક્તાનો ભ્રમ
માહિતગાર હોવાનો ભ્રમ
માહિતીને જાણકારી માનવાનો ભ્રમ
જાણકારીને ડહાપણ માનવાનો ભ્રમ
ડહાપણને જવાબદારી માનવાનો ભ્રમ
અને, જવાબદારીને સત્તાધિકાર માનવાનો ભ્રમ
અસ્તિત્વનો ભ્રમ
કોઈને કઈ હોવાનો ભ્રમ,
કોઈને ભ્રમમાં જીવવાનો ભ્રમ
તો કોઈ બીજાને બીજા ભ્રમમાં જીવે છે એવો ભ્રમ
કોઈને કઈ કરવાનો ભ્રમ
કૈક કરી છૂટવાનો, ને મરી મીટવાનો ભ્રમ
તો, કોઈને સાક્ષીભાવે જોયા કરવાનો ભ્રમ
ભૂલનો ભ્રમ
મારા સાચા હોવાનો ભ્રમ
તારા ખોટા હોવાનો ભ્રમ
ભૂલના સ્વીકારનો ભ્રમ
માફી માંગ્યાનો ભ્રમ
માફ કર્યાનો ભ્રમ
ભૂલી ગયાનો ભ્રમ
મનની આ ભ્રામક દુનિયામાં
સતત હયાતી માંગતી સંવેદના !!
Comments
Post a Comment