તું મને આટલી બધી કેમ ગમે?
એક સવાલ હંમેશા મનમાં રમે
તું મને આટલી બધી કેમ ગમે?
હથેળી કરતા નાનું મોઢું, મોટી ખુલ્લી આંખે
ટગરટગર જગ જોતી રે’તી, બેસી મારી કાંખે
આવી'તી ટબૂકડી મા ની આઠમે
આજે ખુદ તૈયાર થઇ ગરબે ભમે
તું મને આટલી બધી કેમ ગમે?
દરિયા, ડુંગરા, ને ખેતરાં, રખડપટ્ટીની વાતો
તે ગૂંથેલી વાર્તામાં મારી, ઉંઘી ગયેલી રાતો
નાના હાથના ગલગલિયાંથી
સંતાપ આખાય દિવસનો શમે
તું મને આટલી બધી કેમ ગમે?
તારા કરતા જાણું વધારે, તું સમજુ ચડિયાતી
ગુસ્સો તરણા જેમ ઝીલે, પછી બને ફરિયાદી
છોરું કછોરુથી અલગ અનેરી
મા બની તું મારી ભૂલોને ખમે
તું મને આટલી બધી કેમ ગમે?
કોણ છો તું? કેમ વ્હાલી? માંગતો રે'તો કારણ
સો સવાલના જવાબોનું, નાના મનને ભારણ
પ્રેમને સમજવાનો ના હોય, એ
સમજને ડહાપણ મારું નમે
તું મને આટલી બધી કેમ ગમે?
Comments
Post a Comment