એક માણસ ક્યારનો ય મરતો રહ્યો

 

તળિયે ઉગેલા તરણાની ઓથે

ભ્રમમાં ભવસાગર તરતો રહ્યો,

એક માણસ ક્યારનો ય મરતો રહ્યો 

 

મોટા કુટુંબનો નાનો દીકરો 

ઉંમરથી અધિકાર જતાવતી એની દુનિયા

રોટલી અને રમકડાની 

રોજ હારી જવાતી હરીફાઈની એની દુનિયા 

એ રોજીંદી ઘટમાળથી જુદું જીવન અને

જીતી શકે એવો ખેલ એ ગોતતો રહ્યો

એક માણસ ક્યારનો ય મરતો રહ્યો 

 

ખાવા રમવામાંના દાવમાં આખડતો ને પડતો 

હારીથાકીને મા પાસે જઈ ચોધારે એ રડતો

ભરજુવાનીએ થાકેલી મા આપે શું સથવારો?

રામસીતા ચીંધવીને કીધું, ‘આ જ છે તારો આરો’

રામનામમાં કોઈ સ્પર્ધા નહોતી

બિનહરીફ જીતવાનો માર્ગ એને જડતો રહ્યો  

એક માણસ ક્યારનો ય મરતો રહ્યો     

 

 મા ચિંધેલા રસ્તે હજી તો પા પા પગલી પાડ્યા’તા 

સાત વર્ષે ત્યાં અચાનક એંધાણ આકરા આવ્યા’તા  

મા અને બાળપણ બંને એકસાથે ઓલવાઈ ગયા 

હેત પ્રેમ,ચિંતા,અસુરક્ષા,એક દોરે પોરવાઈ ગયા 

છ વરસથી સીતેર સુધી એ માને ઝંખતો રહ્યો 

એક માણસ ક્યારનો ય મરતો રહ્યો

 

રામ-દર્શનની પીડમાં ને બ્રહ્મચર્યની જીદમાં,

અધ્યાત્મનો દીવો લઈને સાધુ-સંતોની ભીડમાં,

સંસારમાં જ રહી ને સંન્યાસી બનવા 

ગુઢ ગુપ્ત વિશ્વના અભ્યાસી બનવા 

લોઢાને પારસ બનાવે એ સંતની ખોજ એ કરતો રહ્યો  

એક માણસ ક્યારનો ય મરતો રહ્યો

 

દિવ્ય-દર્શનની કમાણીમાં ને જય ભગવાનની સરવાણીમાં

બાકીના બધાથી અલગ એવી અલૌકિકતાની ઉજાણીમાં 

ગુરૂમાની હુંફ પ્રેમમાં સંવેદનાએ સચવાતો ગયો 

ગુરુ ચિંધ્યા માર્ગે સર્જાતો ગયો, બદલાતો ગયો 

અલગતાને મૂલવવાં હરદમ મથતો રહ્યો  

એક માણસ ક્યારનો ય મરતો રહ્યો     

 

હેત પ્રેમ વાત્સલ્યની વાતો અથાક કરતો રહેતો

હાથ ઉપર રાખીને લોકોને મદદ પણ કરતો રહેતો 

સ્થૂળ અને સુક્ષ્મ વારસાની લહાણી એને કરવી’તી

ને, લાયક વારસદારની શોધ સતત કરતો રહેતો 

સગા વ્હાલાના વ્યવહારોમાં સમય એનો સરતો રહ્યો  

એક માણસ ક્યારનો ય મરતો રહ્યો

 

સંતભુમી ને ગુરુ-મંદિરે ઝટ જાવાનું એને લાગ્યું’તું 

વ્યાધિ-ઉપાધી છેલ્લા દિવસો, એંધાણ એને આવ્યું’તું

શરીર ખવાતું ગયું અને દરદ પણ સહેવાતું ગયું

ચાકરી કરનાર થાક્યા તો ખમ્મા પણ કે'વાતું ગયું 

કરી કૈક આજીજી તોય મરણનો ખાટલો ફરતો રહ્યો 

એક માણસ ક્યારનો ય મરતો રહ્યો    

 

માફી માંગી,માફ કર્યા,આગળના રસ્તા સાફ કર્યા 

જાણી-અજાણી ભૂલોના હાથ જોડીને સંતાપ કર્યા

માલ મિલકત,વારસાઈ,કઈ દેખીતું ને અનદેખું

જેનેતેને નામ કરી ખુદ સતત મનમાં જાપ કર્યા 

પૂરું થયું તો ભવસાગરમાં તરણું બની વહેતો રહ્યો 

એક માણસ ક્યારનો ય મરતો રહ્યો       

 

તળિયે ઉગેલા તરણાની ઓથે 

ભ્રમમાં ભવસાગર તરતો રહ્યો,

એક માણસ ક્યારનો ય મરતો રહ્યો   

Comments

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન